ઘનશ્યામ ઠક્કર (ઉર્ફે 'લલગાલ લગાલ')
લગાગા? નનાના! છંદ કાનથી વાંચતાં-લખતાં શીખો.
ઘનશ્યામ ઠક્કર (ઉર્ફે 'લલગાલ લગાલ')
Page2
લગભગ બધા જ કવિયો કવિતા લખવા બેસે છે ત્યારે માત્રામેળ કે અક્ષરમેળનું કેલક્યુલેટર લઈને બેસતા નથી. કવિતાના શબ્દ અને છંદ આપોઆપ યોગ્ય રીતે ગોઠવાઈ જાય છે. કેળવાએલા વાચકો પણ એ જ રીતે લીટી વાંચતાં સાથે છંદની ખોભણ(groove)માં આવી જાય છે આને હું છઠ્ઠી ઇન્દ્રિય (6th sense) કહું છું.
૧૯૬૮-૭૨ વચ્ચે હું કુમાર કાર્યાલયની બુધસભામાં જતો. કાવ્યો કાનથી વાંચવાનું મહત્વ ત્યારે મને સમજાયું. કુમારના સંપાદક શ્રી બચુભાઈ રાવત પોતે કવિ ન હતા; પણ છાંદસ કાવ્યો વાંચતા એવી સરસ રીતે, કે કલાકો સુધી સાંભળવાનું મન થાય! મારા સદનસીબે અનિલ જોશી, રમેશ પારેખ, મનોજ ખંડેરિયા વગેરે ત્યારે નવોદિત કવિયો હતા. એમનાં કાવ્યો ટપાલમાં સતત આવતાં અને વંચાતાં. માધવ રામાનુજ તો ત્યારે કુમાર કાર્યાલયના કર્મચારી હતા, તેથી તે તો હાજર હોય જ. ધીરુભાઈ પરીખ અને પિનાકિન ઠાકોર હમેશાં આવતા.
એ જ ગાળામાં વૅકેશનમાં મુંબાઈ જવાનું થયું ત્યારે કવિવર રાજેન્દ્ર શાહની 'કવિલોક'ની મંગળસભામાં એક વાર જવાનો મોકો મળ્યો. ત્યાં પણ કાવ્ય-શ્રવણનો અમૂલ્ય અનુભવ થયો.
કાન કેળવી છંદ શીખવાનો ટૂંકસાર આ પ્રમાણે છેઃ
૧. બને એટલા કાવ્યવાંચન-મુશાયરાના કાર્યક્રમોમાં જાઓ.
૨. ગુજરાતનાં મોટાભાગનાં શહેરોમાં બુધસભા જેવી નિયમિત બેઠકો આજે પણ મળે છે. અચૂક જાઓ. પરદેશમાં પણ ઘણા સારા કવિયો વસ્યા છે. મારી જાણ પ્રમાણે કવિ આદિલ મનસૂરી ન્યુ જર્સીમાં વસે છે, ફિલાડેલ્ફિયામાં પન્નાબહેન નાયક છે. આવા કવિયોને આગ્રહ કરી કાવ્યવાંચનની નિયમિત બેઠક ચલાવવા વિનંતી કરો. ૧૯૮૦ના દાયકામાં અમે થોડા મિત્રો ડાલાસ - ફોર્ટવર્થ શહેરોમાં આવી સાપ્તાહિક બેઠક ચલાવતા હતા.
૩. પુસ્તકો ઉપરાંત સીડી (CD) કાવ્યસંગ્રહો વસાવો.
થોડા જ સમયમાં તમે તમારી પ્રિયતમા (કે પ્રિયતમ!)ને છંદમાં કહી શકશોઃ
'તમે તો ચાહના આપી, પરંતુ ચાહ ના આપી!'
|