બધ્ધી 'ઇ' ને દીર્ઘૈ ગણવી, બધાં જ 'ઉ' હ્રસવૌ,
કદરૂપીને બહેન ગણવી, રૂપાળીને વ્હૌ....
સાસુને ખોળે વ્હૌને ચાવીનો ઝૂડો ખૂંચે,
વ્હૌનાં મોઢાં બંધ કરી દો બબે પાનને ડૂચે.
એક રંગની ભીંત ઉપર કૈં પાંચ રંગના થાપા,
અર્જુન લખતો પ્રેમપત્ર ને મારે ભીમ ગપાટા!
ઊંઝી-છત્તી જોડણીઓમાં પ્રેમપત્ર કે સ્પામ?
ઇમેલને જાસો સમજીને ખાલી થૈગ્યું ગામ!
અધખુલ્લી આંખો વચ્ચે આવે છે એવાં શમણાં:
'અમે જણાતા અડધા-પડધા, તમે જણાતાં બમણાં!'
મોબાઇલ પર મૂંગી કન્યાઓને ફૂટે વાચા,
ગૂગલ પર અસલી સીતા શોધો તો લક્ષ્મણ સાચા.
વાચકને ધપ્પા વાગે ને અખો કહે કે છપ્પા,
'ગંદું-ગંદું' કરતાં 'મંગળ' પામે મમ્મી-પપ્પા!
================
આ પહેલાં અપ્રગટ