આ કાવ્યના કવિને કોઈ ઓળખની જરૂર ખરી?
----------------------------------------------------------------------
બરફના પંખી - અનિલ જોશી
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.
લૂમાં તરતો ઘોર ઊનાળો
અમે ઉઘાડે ડિલે,
ઓગળતી કાયાના ટીપાં
કમળપાંદડી ઝીલે,
ખરતા પીંછે પછડાતી બપ્પોર મૂકીને નીકળ્યા !
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.
લીલા-સૂકા જંગલ વચ્ચે
કાબરચીતરા રહીએ,
નભમાં ઊડતાં સાંજ પડે તો
સોનલવરણાં થઈએ,
રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.
---------------------------------------------