દૂધિયા દાંતની સમાધિ પર
|
અછાંદસ
|
|
અવસરના તોરણમાંથી છૂટું પડેલું
આસોપાલવનું એક સુક્કું પાંદડું શોધવા
સાત ભવથી
હવાને પેટે જન્મ લઈ ભટકું છું.
તૂટેલી કીકીઓમાંથી કમળ બનતાં નથી
ત્યારે
સમુદ્રની રેત રણમાં પાથરી
ઝાંઝવાંને છેતરવાનો પ્રયાસ
એ તો
કૂતરાના દેવને હાડકાંનાં મંદિર બાંધી આપવા જેવી વાત થઈ, ભઈ!
દૂધિયા દાંતની સમાધિ પર
બત્રીસ તાજમહાલી ચાલીઓ
ટૂથબ્રશથી ઘસી-ઘસી સાફ થઈ રહી છે..
તેમાં હવે
જમુનાનાં અસ્થિદ્રાવણની રિસર્ચ-લેબ ખોલવામાં આવી છે.
તોય...
શાહજહાં પોતાનાં પેટ દાબી દાબી
ટૂથપેસ્ટનાં ફીણથી
તાજમહેલને સાફ કરી સફેદ રાખવાના પ્રયત્નો કર્યા કરે
ત્યારે
સુક્કાં આસોપાલવનાં પાન જેવી કીકીઓ
આંખોમાંથી ધ્રુસકે ધ્રુસકે ફૂંકાય
========================
ભૂરી શાહીના કૂવા કાંઠે
Ghanshyam Thakkar
Oasis Thacker