મચ્છરદાનીની દીવાલો પરથી
|
અછાંદસ
|
|
મચ્છરદાનીની દીવાલો પર ભૂખ-હડતાલ પર ઉતરેલાં મચ્છરો
હજી એમ જ માને છે
કે તેમનો મારી સાથે લોહીનો સંબંધ છે!
લોહી ચૂસતા મનુષ્યો દ્વિધામાં છે
આંસુના અભાવને હૃદયની કોરાશ સમજવામાં આવે છે.
કાગળમાં શબ્દો વચ્ચેની કોરાશને વિચારોનો અભાવ સમજવામાં આવે છે.
આંસુના H2Oને વોટર પ્યોરિફાયરમાં નાખી ક્ષાર દૂર કરવાનું કાવતરુ ચાલી રહ્યુ છે.
દુનિયા કોંક્રિટના સ્લેબમાં ચોંટી ગઈ છે
હવે વધારે ઝૂકતી નથી, કે સીધી થતી નથી.
આપણા વૉટ્સએપ-સંબંધો શેઇક હેંડ કરી નહીં શકે.
લૅપટોપ સ્ક્રીન પર તમારી ચા ઢળ્યા કરશે
કીડીઓ સતત ડૉટકૉમ રમ્યા કરશે
જે સમજાય છે તે અનુભવાતું નથી
જે અનુભવાય છે, તે સમજાતું નથી.
પ્રણયત્રિકોણના ખૂણાઓને કાનસ ઘસી સુંવાળા કરી શકાતા નથી
સ્ટેજ છે અભિનેતા વિનાનું ખાલી ખંડેર અવાવરું
પણ ઑડિયંસ સતત તાળીઓ પાડ્યા કરે છે.
================
========================
Ghanshyam Thakkar
Oasis Thacker