આ મૌનની હલકાશ પર ભારણ બનીને આવજો
|
ગઝલ
|
|
આ શબ્દના પોલાણમાં ચારણ બનીને આવજો
આ મૌનની હલકાશ પર ભારણ બનીને આવજો
આવ્યાં-ગયાં સીધ્ધાં-સરળ, ને હાજરી વરતાઈ ન્હૈ;
આવો ફરી, ઉંબર સમી અડચણ બનીને આવજો.
અનિમેષતાના થાકથી કીકી બની પથ્થર હવે,
કે દ્રશ્ય નહીં. થોડો વખત પાંપણ બનીને આવજો.
ઊંચે રહો તો ચાંદનીનાં ઝેર વેરી પીડજો,
નીચે ઢળો તો ઝેરનું મારણ બનીને આવજો
આ વાવનાં નિર્મળ જળોમાં ધૂળ થાશે એકઠી,
તરસ્યાં ન હો તો વાવનું ઢાંકણ બનીને આવજો.
========================
જાંબુડી ક્ષણના પ્રશ્નપાદરે
Ghanshyam Thakkar
Oasis Thacker