દૂધિયા દાંતની સમાધી પર - ઘનશ્યામ ઠક્કર
અવસરના તોરણમાંથી છૂટું પડેલું
આસોપાલવનું એક સુક્કું પાંદડું શોધવા
સાત ભવથી
હવાને પેટે જન્મ લઈ ભટકું છું.
તૂટેલી કીકીઓમાંથી કમળ બનતાં નથી
ત્યારે
સમુદ્રની રેત રણમાં પાથરી
ઝાંઝવાંને છેતરવાનો પ્રયાસ
એ તો
કૂતરાના દેવને હાડકાંનાં મંદિર બાંધી આપવા જેવી વાત થઈ, ભઈ!
દૂધિયા દાંતની સમાધી પર
બત્રીસ તાજમહાલી ચાલીઓ
ટૂથબ્રશથી ઘસી-ઘસી સાફ થઈ રહી છે..
તેમાં હવે
જમુનાનાં અસ્થીદ્રાવણની રિસર્ચ-લેબ ખોલવામાં આવી છે.
તોય...
શાહજહાં પોતાનાં પેટ દાબી દાબી
ટૂથપેસ્ટનાં ફીણથી
તાજમહેલને સાફ કરી સફેદ રાખવાના પ્રયત્નો કર્યા કરે
ત્યારે
સુક્કાં આસોપાલવનાં પાન જેવી કીકીઓ
આંખોમાંથી ધ્રુસકે ધ્રુસકે ફૂંકાય