Oasis Thacker
આ પહેલાં અપ્રગટ
ફાટેલાં દૂધ જેમ ફૂટેલાં હૈયાંને...
(ગીત)
ઘનશ્યામ ઠક્કર
ગોબો દેખીને તને આવતા'તા ચક્કર તે શા માટે ખોદી'તી ખાઈ?
ફાટેલાં દૂધ જેમ ફૂટેલાં હૈયાંને સાંધ્યાં સંધાય નહીં, ભાઈ!
પથ્થર ને પાણીની વચ્ચે તકરાર, પછી ગોઝારી વાવનું વવાવું;
દર્પણ ફોડીને પછી, ચહેરો ઢોળીને પછી, ખોટ્ટુકલું સાવ ગભ્ભરાવું!
લોહીનાં વ્હેણ વચે બંધો બાંધીને પછી તરવાને મેલી સગાઈ!
ગોબો દેખીને તને આવતા'તા ચક્કર, તે શા માટે ખોદી'તી ખાઈ?
તરસી આ રેત પ્રથમ મૄગજળ મ્હાલીને પછી સાગરને તળિયે જૈ રોતી!
મોતીની વાસનામાં વેડફ્યું આ જીવતર, ને છેવટ ચણોઠિયો ગોતી!!
જર્જરતી દલડાની કોમળ આ ઝોળીમાં ઠાંસી લોખંડી મોટાઈ...
ખાટેલાં દૂધ જેમ ઊતરી ગૈલાં હૈયાં રોચક ના થાય, મારા ભાઈ!
======================================
July 2009
Posted by: Ghanshyam Thakkar