મેં ઈચ્છ્યું હોત તો
અછાંદસ
મેં ઈચ્છ્યું હોત
તો
મારાં પડતર ખેતરોમાં
પચીશ ભાષાઓનાં ડૂંડાં
હવામાં લહેરાતાં હોત
મેં ઈચ્છ્યું હોત
તો
પત્નીની નિર્દોષ આંખોને
નંબરવાળી બનાવી શક્યો હોત
અને તેમ છતાં પ્રબોધ!
ટીપુને આ વર્ષે બાલમંદિરમાં મૂકવાનો છે-
મેં પાડેલા ચીલાઓ ભૂંસી શકાતા નથી.
કેમ કે ચીલા પાડવાની ક્રિયાથી
હું ઓચાઈ ગયો છું.
આ નિષ્ક્રિયતાથી પણ છળી મરાય છે.
આંખની બહાર તને ઊભેલો જોઉં છું
ખેતરની વાડ પાસે.
રાયપુરની હોટલમાં હું ગરમાગરમ ગાંઠિયા ખાઉં છું.
અને તું જર્મન શબ્દોનાં બચૂકડાઅં બિલ્લીબચ્ચાંઓને
ખોળામાં લઈને
નેપોલીનાં પગથિયાં પર
નાગો થઈને બેઠો છે.
પ્રબોધ, મોં પર તું લાબી મૂછો રખાવ
એક મહિના સુધી માત્ર મૂળા ખા
સરકસની કંપની ખોલ
કે બોટ-ક્લબ રોડ પર
સત્તર વરસ સુધી સાઈકલ ચલાવ્યા કર
હું તને મળી શકીશ નહીં
કેમ કે હવે આપણે ભિન્ન નથી.
અને તેમ છતાં પ્રબોધ
ટીપૂને આ વર્ષે બાલમંદિરમાં મૂકવાનો છે;
અને કેમ કે ચીલા પાડવાની ક્રિયાથી હું ઓચાઈ ગયો છું;
અને
આંખની અંદર તને ઊભેલો જોઉં છું
===============
સૌજન્યઃ મારા નામને દરવાજે