Ghanshyam Thakkar
Gujarati Kavita ane Sangeet
Ghanshyam Thakkar
કવિવર શ્રી રાજેન્દ્ર શાહને વિદાય
Rajendra Shah
૨૮ જાન્યુઆરી, ૧૯૧૩ - ૩ જાન્યુઆરી ૨૦૧૦

૯૭ વર્ષની દરેક પળને કેવડિયાના કાંટાની સોયથી કવનની દોરીમાં પરોવી, ગુજરાતના મહાન કવિ અને દેશભક્ત રાજેન્દ્રભાઈ અનંતની સરહદમાં પ્રવેશ્યા છે.

બેહદ પ્રેમાળ. ૧૯૬૯-૭૦ની આસપાસ હજુ તો મારાં એક બે કાવ્યો કદાચ પ્રગટ થયાં હશે. રાજેન્દ્રભાઈ ત્યારે મુંબાઈથી 'કવિલોક' સામયિક પ્રકાશિત કરતા હતા. મેં કવિલોક માટે બે કાવ્યો મોકલ્યાં. સામાન્ય રીતે બીજાં સામયિકો તરફથી સ્વીકૃતિ/અસ્વીકૃતિનો છાપેલો પત્ર મળતો. પણ રાજેન્દ્રભાઈએ એમના હસ્તાક્ષરમાં બે કાવ્યોની સ્વીકૃતિનો પ્રેમ ભર્યો પત્ર લખ્યો. મેં હજી સુધી સાચવી રાખ્યો છે. ૧૯૭૧માં મુંબાઈ જવાનું થયું ત્યારે કવિલોકની 'મંગળ-સભા'માં જવાનો લ્હાવો મળ્યો. ખૂબ જ પ્રેમ ભર્યો આવકાર.

૧૯૯૩માં અમેરિકાથી ભારત (અમદાવાદ) ગયો ત્યારે રાજેન્દ્રભાઈએ અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં ફ્લેટ લીધો હતો. હું મળવા ગયો ત્યારે પણ એટલો જ પ્રેમ ભર્યો આવકાર. ત્યારે એમની ઉમ્મર ૮૦ વરસની. શ્રી માધવ રામાનુજે મારા કાવ્યવાચનનો કાર્યક્રમ યોજ્યો હતો. મેં રાજેન્દ્ર્ભાઈને આમંત્રણ પત્રિકા આપી, પરંતુ આ ઉમ્મરે તેઓ ખરેખર પધારશે તેવી સ્વપ્નેય કલ્પના ન હતી. કાવ્યવાચનના કાર્યક્રમમાં કવિવર પધાર્યા ત્યારે હું ધન્ય થઈ ગયો.

તેઓ મહાન કવિ જ નહીં, મહા-માનવ હતા.  

ઘનશ્યામ ઠક્કર