રાખનાં પણ પોસ્ટમોર્ટમ...
(ગઝલ)
ઘનશ્યામ ઠક્કર
એમ સંદર્ભો હવે ફરતા ફરે વાણી ઉપર;
જેમ બૉટલ કોકની ખાલી તરે પાણી ઉપર.
મ્હેલ પત્તાંના પડે, ને બાદશા' નીચે સડે;
ને તમે એક્કા સતત ઝીંક્યા કરો રાણી ઉપર.
છે હજી લાવા ભીતરમાં ધગધગે બેફામ પણ,
ભ્રષ્ટ વિજ્ઞાપન વિભાગોની જ સરવાણી ઉપર!
લાગણીઓ તો બધી ડુબાડવા ફેંકી હતી;
બસ હતાશાને બચાવીને તમે તાણી ઉપર.
હાડપીંજર શા ભયાનક ખેલ પર પડદો ધરી;
બંધ પડદાને ગણી નાટક, ત્વચા માણી ઉપર.
રાખનાં પણ પોસ્ટમોર્ટમ થૈ શકે છે સ્વર્ગમાં,
એમ 'ઘનશ્યામે' નીચેની વાતને જાણી ઉપર.
======================
આ પહેલાં અપ્રગટ
જાન્યુઆરી ૨૦૦૬
મુંબાઈ