તમને ફૂલ દીધાનું યાદ - રમેશ પારેખ
———————-
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ
સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં
તરતા ખેતરશેઢે, સોનલ…
અમે તમારી ટગરફૂલ-શી આંખે ઝૂલ્યા
ટગરટગર તે યાદ
અમારી બરછટ બરછટ હથેળીઓને તમે ટેરવાં
ભરી કેટલીવાર પીધાનું યાદ
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ
ખેતરમાં આ અડખપડખનાં હળ આંખોમાં ફરતાં
એકલદોકલ સસલું દોડી જતું, પાંદડાં ખરતાં
સમળી ના પડછાયા છૂટી ફાળ ઘાસમાં ભરતા
અમે તમારી ટગરફૂલ-શી ટગરટગરતી આંખે
જિયલ ઝૂલા ઝૂલ્યા નું યાદ
ડાળ ઉપર એક ઠીબ, ઠીબથી બપોર ફંગોળાય
પાંખ વીંઝતું પાંખ વીંઝતું હવા જેવડું થાય
સવારપંખીનો પડછાયો ઠીબ વિશે તરડાય
ઠીબમાં ઝૂકી સવાર પીતું નીલરંગનું પંખી-
જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ
(27-9-68)
સૌજન્યઃ ફોર એસ વી -પ્રભાતનાં પુષ્પો
=================================
કવિશ્રી અનિલ જોશી અને રમેશ પારેખે કાવ્ય-ગીતોની દુનિયામાં નવો યુગ શરૂ કર્યો.
આવા સર્જકોને કોઈ ઓળખ કે ચંદ્ર્કોની જરૂર ખરી?…….ઘનશ્યામ ઠક્કર
Posted in 1, અન્ય સર્જકો, કાવ્ય-ગીતો, કાવ્ય-પ્રકારો, ફોર એસ વી -પ્રભાતનાં ��, સર્જકો, સૌજન્ય | No Comments »
========================================================================