આ સમયની સાથ હવે એટલો સંબંધ છેઃ
|
ગઝલ
|
|
આ સમયની સાથ હવે એટલો સંબંધ છેઃ
ખાલી મ્હેલ, હું બહાર, દ્વાર મહીંથી બંધ છે.
અસ્તની જ રક્તિમા હતી ઉદયના સૂર્યમાં,
સાંજના સવારથી થઈ ચૂક્યા પ્રબંધ છે.
આ સમયની સાથ હવે એટલો સંબંધ છેઃ
હું મહેલમાં, તો બહારથી કમાડ બંધ છે.
બે'ક શ્વાસના ય ઇન્તજામ અહીં કઠીન છે,
ને તમે કહો કે-''આટલી જ બસ સુગંધ છે?''
કોરા કાગળે મૂક્યા વિરામચિહ્ન ચાર મેં,
જિંદગીનો એમ બસ પૂરો થયો નિબંધ છે!
સૂર્યનાં આ શબ નહિતો ક્યારનાં સડ્યા કરે,
રાતની એ સમડીઓ તો જન્મથી જ અંધ છે.
આ સમયની સાથ હવે એટલો સંબંધ છેઃ
હું નથી, દીવાલ નથી, તોય દ્વાર બંધ છે!
========================
ભૂરી શાહીના કૂવા કાંઠે
Ghanshyam Thakkar
Oasis Thacker