Gujarati Kavita ane Sangeet
Ghanshyam Thakkar

શ્રી ભોળાભાઈ પટેલને વિદાય

ઘનશ્યામ ઠક્કર

શ્રી ભોળાભાઈ પટેલનું રવિવાર મે ૨૦, ૨૦૧૨ના રોજ દુઃખદ અવસાન થયું છે. શ્રી ઉમાશંકર જોશી પછી શ્રી ભોળાભાઈ ગુજરાતી ભાષાના આગેવાન સાક્ષર હતા. તેમના કુટુંબીજનો અને સ્નેહીઓ સાથે આ આઘાતનો સહભાગી થાઉં છું
૧૯૯૩માં ભારત આવ્યો ત્યારે તેમનો અને મારો કાવ્યપઠનનો સંયુક્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તે મારું સદ્ભાગ્ય છે. તેમણે તેમનાં બંગાળી ભાષાંતરનું પઠન કર્યું હતું. એ પછી ૨૦૦૨માં બારડોલીની ગુજરાતી સાહિત્ય પરિષદમાં મળવાનું થયું. એક વરસ પહેલાં તેઓ સાથે ફોન પર વાત થઈ હતી.
ભોળાભાઈ જેટલી ઊંચી કક્ષાના સાક્ષર હતા, તેટલી જ ઊંચી કક્ષાના માનવી હતા. જ્યારે સાહિત્ય જેવાં પવિત્ર ક્ષેત્રોમાં પણ રાજકારણ અને વિદ્વેશ સામાન્ય બની ગયા છે ત્યારે તેમણે પોતે તો નીતિમયતા સાચવી રાખી, પણ આવા વાતાવરણની ઝાટકણી કરતાં પણ ખચકાયા નથી. મેં તેમનો એક લેખ સાહિત્યકારોનો વિદ્વેશ ૨૦૦૯માં આ બ્લોગ પર મૂક્યો હતો તેને ખૂબ જ સારો આવકાર મળ્યો હતો.
શ્રી નિરંજન ભગત સાથે ગઈ સાલ વાત કરતો હતો ત્યારે શ્રી ભોળાભાઈની વાત નીકળી. તેઓ કહે, "ભોળાભાઈ એટલે એમના નામ જેટલા જ 'ભોળા-ભાઈ'!
ગુજરાતને અને ગુજરાતી ભાષાને ન પૂરાય તેવી ખોટ પડી છે.