આઘેથી દૂરનાં નજીક - ઘનશ્યામ ઠક્કર
થોભું તો પગમાં અટવાય મારા મંઝિલની કાંટાળી વાડ સમી બીક,
ચાલું તો મ્રુગજળની જેમ સદા ભરમાવે આઘેથી દૂરનાં નજીક!
મોટરનાં પૈડાં પર રસ્તા વીટું છું તો યે
રસ્તા તો રસ્તાના રસ્તા
ચાલું? ના, સ્થિરતાને બદલું છું પળપળ,
ને રસ્તા દેખાય મને ખસતા!
હોડી પાછળ જેમ વહેતી રહે છે સ્થિર પાણીમાં પાણીની નીક.
ચાલું તો મ્રુગજળની જેમ સદા ભરમાવે આઘેથી દૂરનાં નજીક!
લાખો મુસાફરીનાં પગલાંનો સરવાળો
મારી મેડીનાં પગથિયાંથી ઓછો,
પગલાં ને વીણવાને નીકળનારાઓ તમે
નક્કામી ધૂળના જ ટોપલા ભરો છો;
પૈડાના સળિયામાં પગ જો ફસાય, કહું :'રહે છે પ્રવાસ મને ઠીક!'
થોભું તો પગમાં અટવાય મારા મંઝિલની કાંટાળી વાડ સમી બીક....
forsv, urmisagar, prabhatna pushpo
ગાગરમાં સાગર ફોર એસ.વી. ઊર્મિસાગર
