ટપકે મારે નેવેથી……”ઊર્મિસાગરની પ્રતિભાવ-બુંદો’
તરણાંના હીંચકા પર કરેલા તોફાનનું ગીત -ઘનશ્યામ ઠક્કર
October 29, 2007 at 11:00 pm | ઘનશ્યામ ઠક્કર, ગીત
- Posted by ઊર્મિ | 12 Comments, Add Yours

(ખેતરમાં વાત તને કીધી… એ ફળિયાએ કેમ કરી જાણી ?)
ખેતરમાં વાત તને કીધી વાલમ!બધા ફળિયાએ કેમ કરી જાણી?
ફળિયેથી ફેલાતી જાય,જેમ ફેલાતું વાદળની અફવાનું પાણી…
ખેતરનો મોલ મારી સૈયરનાં અંતરશો,
માંગો તો દઈ દે લીલાશ.
મનડાની વાત બધી મૂળિયામાં સાચવે
ન વાઢતાં ય મળવાની આશ.
વીંજણો ઉગામું તો ય ભડકે એ વાયરાની હિમ્મત કે આપે એંધાણી ?
તો પછી ફળિયાએ વાત કેમ જાણી
‘આ-પા’ની ધરતી ને ‘એ-પા’નું આભ,
મને ખૂંચે ખાલીપો વચાળનો,
ત્યાં ય હવે આપણી આ વાત્યુંનો દરિયો,
ઉલેચું શું? એ ય મૂવો ઢાળનો !
હું-તું ને અડક્યાનાં ગાંજાનાં ખેતરમાં ચાડિયાની વાત વીસરાણી !
એમ ફળિયાએ વાત બધી જાણી !
-ઘનશ્યામ ઠક્કર ભૂરી શાહીના કૂવા કાંઠે
નાનપણથી જ સાહિત્યમાં રસ ધરાવતા કવિ ઘનશ્યામ ઠક્કર (19 સપ્ટેમ્બર, 1946) ગુજરાતી ભાષાના ઉચ્ચ કક્ષાના કવિ છે, અને હાલ અમેરીકાનાં ડલાસ (ટેક્સાસ) શહેરમાં રહે છે. પરંતુ આ છૂપાયેલી પ્રતિભાને સાહિત્યજગતમાં આજકાલ ઘણા ઓછા લોકો જાણે છે… એનું કારણ કદાચ એ જ હશે કે કર્મે ઇલેકટ્રીક એંજીનિયર એવાં ઘનશ્યામભાઈ કવિ ઉપરાંત ખૂબ સારા સંગીતકાર પણ છે અને છેલ્લા કેટલાંક વર્ષોથી એમનું ધ્યાન કવિતાલેખન કરતાં સંગીતક્ષેત્રે જ વધુ રહ્યું છે. એમનાં કાવ્ય-સંગ્રહ ‘ભૂરી શાહીના કૂવા કાંઠે (ગુર્જર ગ્રંથરત્ન પ્રકાશન ૧૯૮૭)’ની પ્રસ્તાવના શ્રી ઉમાશંકર જોશીએ લખી છે, અને ‘જાંબુડી ક્ષણના પ્રશ્નપાદરે (રન્નાદે પ્રકાશન ૧૯૯૩)’ની પ્રસ્તાવના શ્રી લાભશંકર ઠાકરે…. અને એનાં પરથી જ એક અનોખો મિજાજ અને પોતીકો અવાજ ધરાવતા આ કવિનાં કાવ્યોની ઉચ્ચ કક્ષાનો આપણને ખ્યાલ આવી જાય છે. ૧૯૬૯થી આ કવિનાં કાવ્યો કુમાર, કવિતા, કવિલોક, નવનીત, સમર્પણ, નવનીત-સમર્પણ, પરબ, ક્રુતિ, મિલાપ, વિશ્વમાનવ અને વૈશાખી જેવાં સાહિત્યનાં શ્રેઠ સામયિકોમાં પ્રસિધ્ધ થયાં છે. ઘનશ્યામભાઈની પોતાની વેબસાઈટ પણ છે જેના પરથી આ છૂપાયેલી પ્રતિભા વિશે આપ સૌ ઘણું બધું જાણી શકશો. મેં તો ઘણા દિવસો સુધી એમની સાઈટ પર ઘૂમ્યા કર્યું હતું… આગળ મેં એમનું એક ગીત પણ અહીં મૂક્યું હતું, એ પણ તમે જરૂરથી માણજો હોં… મળવાનું મન પહોંચ્યું… અને હમણાં થોડા દિવસ પહેલાં શ્રી ર.પા.ની એક રચના પર ઘનશ્યામભાઈએ પોતાના અતીતને વાગોળતી એક મજાની કોમેંટ લખી હતી… એ પણ સૌએ માણવા જેવી છે.
લગભગ અપ્રાપ્ય એવા એમનાં બંને કાવ્યસંગ્રહો મને દિવાળીની ભેટ તરીકે મોકલવા બદલ ઘનશ્યામભાઈનો હું અંતરથી ખૂબ ખૂબ આભાર માનું છું……! આજે એમનાં કાવ્યસંગ્રહ ‘ભૂરી શાહીના કૂવા કાંઠે’ માંથી એક રચનાને અહીં મૂકવા માટે પસંદ કરવી મારે માટે ખરેખર ખૂબ જ મુશ્કેલ થઈ ગઈ હતી… કારણ કે મને તો લગભગ બધી જ રચનાઓ ખૂબ જ સ-રસ લાગી. કવિશ્રીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આપણે એવી ઈચ્છા રાખીએ કે સમયાંતરે એમનું કાવ્યલેખન થતું / વધતું રહે, બીજા ઘણાં લોકો સુધી એમની રચનાઓ પહોંચી શકે, તેમ જ એમની ઘણી નવી નવી રચનાઓ પણ નજીકનાં ભવિષ્યમાં જ આપણને સૌને માણવા મળે!
August 7, 2007 at 9:36 pm | ઘનશ્યામ ઠક્કર, ગીત
- Posted by ઊર્મિ | 5 Comments, Add Yours

(કેમ વીંધી’તી વાંસળીના ગીતે? ફોટો: વેબ પરથી)
મળવાનું મન પહોંચ્યું જોજનવા દૂર તોય ખેંચાતી જાઉં છું પછીતે!
ગોકુળમાં ઓળખેલ શ્યામ, તને દ્વારિકામાં ઓળખી શકીશ કઈ રીતે ?
ઝાંઝર-શાં ઝણઝણતાં ડોલતાં કદંબ,
આજ ડોલે તો રણકે છે હીરા!
વનરા તે વન મહીં કાંટાળી બોરડીને
ભેટતાંય પડ્યા’તા ચીરા!
કોને કહૌં, સમણામાં તારા એ આરસના ચોકમાંય ચાલતાં શું વીતે ?
તારી સંગાથ ગ્રહ્યો ગોવર્ધન, આજ તારા
પીંછાનો ભાર પણ ખમાય ના.
ધગધગતો હેમ-રસ વ્હેતો દેખાય એવી
જમનાને કાંઠે બેસાય ના !
છેવટે જો રણશિંગાં ફૂંકવાં હતાં તો કેમ વીંધી’તી વાંસળીના ગીતે ?
ગોકુળમાં ઓળખેલ શ્યામ, તને દ્વારિકામાં ઓળખી શકીશ કઈ રીતે ?
મળવાનું મન પહોંચ્યું જોજન-વા દૂર તોય ખેંચાતી જાઉં છું પછીતે.
——
મિત્રો,
દસેક દિવસ પહેલાં, આ કાવ્યની રચના બાદ આશરે ૩૫ વરસ પછી, આ કાવ્યની બે પંક્તિઓ જૂદી રીતે લખાઈ તે-
તારી સંગાથ ગ્રહ્યો ગોવર્ધન, આજ
તારા પીંછાનાં ભારણ ઝેલાય ના;
ધગધગતો હેમ-રસ વ્હેતો દેખાય
એવી જમનાને કાંઠે ખેલાય ના !
ઘ.ઠ.

સૌજન્યઃ ઊર્મિસાગર.કોમ
Posted in 1, Gujarati Blog, Gujarati Net, ઊર્મિસાગર.કોમ, કવિતા, કાવ્ય-ગીતો, કાવ્ય-પ્રકારો, કાવ્યો, ગુજરાતી, ગુજરાતી કાવ્યો, ગુજરાતી નેટ, ગુજરાતી સાહિત્ય, ઘનશ્યામ ઠક્કર, સર્જકો, સાહિત્ય, સૌજન્ય, સ્વરચિત રચના | No Comments »